અંબાલાલ પટેલની અરબ સાગરમાં ચક્રવાતની આગાહી, કહ્યું- આ તારીખ પછી આવશે આંધી-વંટોળ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર સહિતના અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. દરમિયાન ચોમાસાને લઈને દેશી વરતારો કરતા અને હવમાન નિષ્ણાંત તરીકે ઓળખાતા અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે શું આગાહી કરી?
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 24 મેથી 5 જૂન પછી વાતાવરણમાં પલટો જોવા મળશે. આ વર્ષે ચોમાસું પણ વહેલું આવશે. આ ઉપરાંત મેના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. 17 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. આ ઉપરાંત 17થી 24 મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. તેમજ 14થી 18 જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે શું આગાહી કરી છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પહોંચશે તેવી શક્યતાઓ છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં અંદાજિત 7 દિવસના આગળ-પાછળના વિરામ સાથે પ્રવેશતુ હોય છે. અને તે 15મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લેતુ હોય છે.